બદ્રીનાથ નજીક ભારે હિમસ્ખલનનો મૃત્યુઆંક વધી 5 થયો

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં શુક્રવારે થયેલા ભારે હિમસ્ખલનનો મૃત્યુઆંક વધીને રવિવારે 5 થયો હતો અને હજુ ત્રણ કામદારો લાપતા છે. આ હિમસ્ખલમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના ઓછામાં ઓછા 54 કામદારો ફસાયા હતાં. તેમાંથી 33ને શુક્રવારે રાત્રે અને 17ને શનિવારે આર્મી, એરફોર્સ, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP), નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ના કર્મચારીઓની મદદથી બચાવી લેવામાં આવ્યા હતાં.

આ ઘટના બદ્રીનાથ મંદિરથી પાંચ કિલોમીટર દૂર સરહદી ગામ માના પાસે બની હતી. બચાવાયેલા કામદારોને ગંભીર હાલતમાં માના ગામ પાસેના આર્મી કેમ્પમાં મોકલવામાં આવ્યા હતાં. ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક દીપમ સેઠે માહિતી આપી હતી કે ઘટના સમયે બીઆરઓ કેમ્પમાં 54 રોડ બાંધકામ કામદારો તૈનાત હતા. બચાવ અને રાહત કામદારી સામે ખરાબ હવામાન એક અવરોધ બન્યું હતું. રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા અને રસ્તો ખોલવા માટે સ્નો કટર તૈનાત કરાયા હતા. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે તેઓ આ ઘટનાથી “દુ:ખી” છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *